Phd-MBBSની ડિગ્રીવાળા 400 નોકરી ઇચ્છુકોની યાદીમાં
- ગુજરાતની 8 યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્રોમાં નોંધાયા છે આવા ઉમેદવારો

સરકારની રોજગાર વિનિમય કચેરીમાં રોજગારવાંચ્છુઓના નોકરી મેળવતા બેરોજગારો નોંધણી કરાવે એ તો સામાન્ય ઘટના છે પરંતુ આવી કચેરીઓમાં આશ્ચર્યજનક કહી શકાય તેમ પીએચ.ડી. (ડોક્ટરેટ) થયેલા કે પછી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી ચૂકેલા લોકો પણ નોકરી માટે નામ નોંધાવે છે ! ૨૦૧૧થી ૨૦૧૪ દરમિયાન પીએચ.ડી. થયેલા ૨૪૭ અને એમ.બી.બી.એસ. ભણેલા ૧૫૩ લોકોએ નોકરી મેળવવા નામ દાખલ કરાવ્યા હતા.
ખુદ ગુજરાત સરકારે આવી માહિતી વિધાનસભામાં આપી છે. ૧-૩-૨૦૧૧થી ૧-૩-૨૦૧૪ દરમિયાન કુલ ૯૭૧૧૮૪ બેરોજગારોની નોંધણી થઈ હતી. તેમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ઉપરાંત પીએચ.ડી. અને એમબીબીએસ ડિગ્રી ધારકોની કુલ સંખ્યા ૨,૧૨,૩૧૨ જેટલી હતી જે માહિતી અપાઈ છે તે મુજબ યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર અમદાવાદમાં ૬૪, વડોદરામાં ૨૮, ભાવનગરમાં ૭૧, પાટણમાં ૩૬, રાજકોટમાં ૩૯, સુરતમાં ૩ પીએચ.ડી. ડિગ્રીધારકોએ નામ નોધાવ્યા હતા.
એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવ્યા પછી ય નોકરી માટે પ્રયાસો કરનારા કુલ ૧૫૩ લોકો હતા. જેમાં ભાવનગર કેન્દ્રમાં ૫૬ અને સુરત કેન્દ્રમાં ૫૯ ડિગ્રીધારકો હતા. અમદાવાદમાં ૧૪, વડોદરામાં ૭, આણંદમા ૫, રાજકોટ ૭ ડોક્ટરોનો સમાવેશ થાય છે.
સામાન્યતઃ પીએચ.ડી.ની ઉચ્ચ કક્ષાની ડિગ્રી મેળવનારા કે પછી મોટા ખર્ચ પછી એમ.બી.બી.એસ. થનારા વિદ્યાર્થીઓને બેરોજગારીની સમસ્યાનો સામનો કરવો પડે તેવું બનતું નથી પણ અહીં રજૂ થયેલી વિગતો વાસ્તવિકતા છે. જો કે સરકારી સૂત્રો એમ કહેતા હોય છે કે, 'સારી નોકરી' કે રોજગારી મેળવવાના હેતુથી પણ રોજગાર કચેરીમાં નામ નોંધાવાય છે.
| કેન્દ્ર | Ph.D. | M.B.B.S. |
| અમદાવાદ | ૬૪ | ૧૪ |
| વડોદરા | ૨૮ | ૦૭ |
| ભૂજ | ૦૪ | ૦૨ |
| ભાવનગર | ૭૧ | ૫૬ |
| પાટણ | ૩૬ | ૦૩ |
| આણંદ | ૦૨ | ૦૫ |
| રાજકોટ | ૩૯ | ૦૭ |
| સુરત | ૦૩ | ૫૯ |
| - | ૨૪૭ | ૧૫૩ |